કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દિવાળી પૂર્વે સરકારી કર્મચારીઓને એક વિશેષ ભેટ આપવામાં આવી હતી. DA એટલે કે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હવે રેલવે બોર્ડ દ્વારા પણ આવું જ એક પગલું ભરવામાં આવ્યું છે. રેલવે બોર્ડે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે.. એટલે કે બેઝિક સેલેરીના 42 ટકાથી વધારીને 46 ટકા કરી દીધું છે. આ વધારો 1લી જુલાઈથી ગણવામાં આવશે. રેલવે બોર્ડે 23મી ઓક્ટોબર, 2023ના ઓલ ઇન્ડિયા રેલવેઝ એન્ડ પ્રોડક્શન યુનિટ્સના મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારીઓને આ અંગે પત્ર લખ્યો હતો. જણાવીએ કે રેલવે બોર્ડ તરફથી આ જાહેરાત કેન્દ્રીય મંત્રી મંડળ તરફથી 15 હજાર કરોડ રૂપિયાના બોનસને મંજૂરી આપ્યા બાદ કરવામાં આવી છે.
રેલવે કર્મચારી સંઘો તરફથી દિવાળી અગાઉ આ જાહેરાતને ખૂબ આવકારવામાં આવી છે. ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે કર્મચારીઓને જુલાઈથી DA મળવાનું હતું એટલે આ વધારો મેળવવો એ કર્મચારીઓનો અધિકાર હતો. હું દિવાળી પહેલા તેની ચુકવણીની જાહેરાતને આવકારું છું. નેશનલ ફેડરેશ ઓફ ઇન્ડિયન રેલવેમેનના મહાસચિવ એમ રાઘવૈયાએ કહ્યું કે આ નિર્ણયનો અર્થ એ થાય છે કે કર્મચારીઓ પર મોંઘવારીની કોઈ અસર નહીં પડવા દેવામાં આવે.
આ પહેલા કેન્દ્રીય કેબિનેટ તરફથી રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી હતી. અને દિવાળી પહેલા જ એ બોનસની ચુકવણી પણ કરવામાં આવશે. જેનાથી રેલવે કર્મચારીઓની દિવાળી આ વર્ષે ખૂબ શુભ રહેવાની છે.