આજનો દિવસ વડોદરા માટે કાળો દિવસ. વડોદરાના હરણી તળાવમાં માસૂમ બાળકોથી ભરેલી એક બોટ અચાનક ડૂબી ગઈ હતી. બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓ તળાવમાં ગરકાવ થયા છે. આ દુર્ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. હરણી ‘હત્યાકાંડ’ માં 13 વિદ્યાર્થી અને 02 શિક્ષિકાએ જીવ ગુમાવ્યા છે.
PM મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
PM મોદીએ એક પોસ્ટ લખીને કહ્યું કે, આ દુ:ખદ ઘટના વિશે જાણીને ખૂબ જ દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. સ્થાનિક પ્રશાસન તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે. મૃતકોના પરિવારને પીએમ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યું છે અને ઘાયલોના પરિવારને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંવેદના વ્યક્ત કરી
રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યું છે કે, હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે. કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટના સહાયની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી વડોદરા પહોંચ્યા
ઘટનામાં કુલ 13 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 15 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને પણ તેઓ મળ્યા હતા. રાજ્ય સરકારે હરણી ‘હત્યાકાંડ’ માં સામેલ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.