ગુજરાતના ઇતિહાસનો સૌથી કાળો દિવસ 30 ઓક્ટોબર. ઢળતા સુરજની સાથે સાથે અનેક જિંદગીઓ હોમાઇ ગઇ. વાત મચ્છુ નદીના એ પટની છે જેણે ફરી એકવાર અનેક જિંદગીઓને પોતાની અંદર સમાવી લીધી. એક બેદરકરી, એક ભૂલ, એક લાલચ, એક લાપરવાહીએ 135 લોકોના જીવ લઇ લીધા.
મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ મોતનો પુલ બની ગયો. આ ઐતિહાસિક પુલને રિપેર કરવામાં આવ્યો હતો. તેને નવા વર્ષે જ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો હતો. આ ઝૂલતા પુલની મજા માણવા માટે અનેક સહેલાણીઓ અહીં આવવા લાગ્યા. જેમ જેમ લોકોને પુલ વિશે ખબર પડતી ગઇ તેમ તેમ તેની મુલાકાત લેવાની લોકોમાં જિજ્ઞાશા વધતી ગઇ. દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજામાં લોકોએ ઝુલતા પુલની મજા માણવાનું આયોજન કર્યું. કોઇ પરિવાર સાથે પહોંચ્યું, કોઇ માતા પિતા સાથે, કોઇ મિત્રો સાથે, કોઇ બહેનપણી સાથે તો કોઇ કાકા, મામા, માસી કે ભત્રીજા સાથે પહોંચ્યું. અહીં આવનારના મનમાં એક જ ઉત્સાહ અને ઉમંગ હતો કે ઝુલતા પુલની મજા માણીશું, પરિવાર સાથે રજાનો આનંદ માણીશું. પરંતુ તેમને એ સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેમની સાથે આવી ગોઝારી દુર્ઘટના સર્જાશે.
Deals on Mobile Accessories – Amazon Brand and moreકહેવાય છે કે આપણા સૌના જીવનની ડોર ઉપરવાળાના હાથમાં હોય છે, તે જ્યારે ઇચ્છે ત્યારે આ ડોર છોડી દે અને આપણા જીવનની નાવ તણાઇ જાય. 30 ઓક્ટોબરની સાંજે 6.45 કલાકે કંઇક આવાજ જ દ્રશ્યોસર્જાયા. ઝૂલતા પુલ પર ઉપસ્થિત સૌ કોઇ આનંદમાં હતા, ઉત્સાહમાં હતા પરંતુ અચાનક ભગવાને જાણે ડોર છોડી દીધી હોય તેમ પુલ તૂટી પડ્યો, અને પુલ પર હાજર 300થી વધુ લોકો મચ્છુ નદીમાં ગરકાવ થઇ ગયા. કોઇ પાણીમાં પડ્યું, કોઇ બચવા માટે તરફડિયા મારતું, કોઇ પુલના બંને છેડાને પકડીને લટકી રહ્યા, કોઇ પુલના તુટેલા તારને પકડી રહ્યું, મચ્છુનો પટ બચાવ બચાવની ચીસોથી ગૂંજી ઉઠ્યો. જેને તરતા આવડતું હતું તે તરીને બહાર આવ્યું, કોઇ આ ઘટનાનો વીડિયો બનાવવામાં મસ્ત હતું, તો કોઇ પોતાના જીવની પરવાહ કર્યા વગર જ લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યું. જે લોકોને બચાવી લેવાયા તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. જોત જોતામાં સ્થાનિકોની સાથે પોલીસ, NDRF, SDRF, કોસ્ટલ ગાર્ડ, નેવીના જવાનો, ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરીમાં જોતરાઇ ગયા. 150થી વધુનું સફળ રેસ્ક્યૂ કરાયું, જ્યારે એક પછી એક મચ્છમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.. પહેલા 3ના મોતનો આંકડો સામે આવ્યો, 3નો આંકડો સીધો 60 પર પહોંચ્યો અને 60નો આંકડો સીધો 100 પર. આખી રાત લોકોની શોધખોળ ચાલુ રહી, બીજા દિવસે પણ રેસ્ક્યૂની કામગીરી યથાવત રહી. જેમાં મોતનો આંકડો 135 પર પહોંચી ગયો. મોરબી હોસ્પિટલમાં એક પછી એક લાશોની લાંબી કતાર થઇ ગઇ. પોતાના પરિજનોને શોધવા લોકો મોરબી હોસ્પિટલ પહોંચી ગયા. મોરબી હોસ્પિટલમાં આક્રંદનો માહોલ ઉભો થયો, જ્યાં જુઓ ત્યાં રોકકળ થઇ રહી હતી. કોઇ ધ્રૂસકે ધ્રૂસકે, કોઇ ચોધાર આંસુએ, તો કોઇ હિબકા લઇને, તો કોઇ બેકાબૂ થઇને આક્રંદ કરી રહ્યું હતું. પહેલા દિવસે મોરબી અને બીજા દિવસે આખુ ગુજરાત હિબકે ચઢ્યું. અનેક સપનાઓ 135 જિંદગીઓની ચિંતા સાથે સળગી ગયા રહી તો માત્ર દુઃખની લાગણી, વ્યથા, અફસોસ અને આક્રોશ.