અહીં લોકો માત્ર દર્શન કરવા જ નહીં શાંતિ અનુભવવા માટે પણ આવતા હોય છે.

અમદાવાદઃ અમદાવાદના કલુપુર વિસ્તારમાં આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર શહેરના વ્યસ્ત જીવન વચ્ચે શાંતિનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશનના વોશિંગ યાર્ડમાં બંને બાજુ રેલવેના પાટા વચ્ચે બિરાજમાન છે ગુપ્તેશ્વર મહાદેવ. આ મંદિર તેના અનોખા ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) બંધારણ અને શાંત વાતાવરણ માટે ઓળખાય છે.
સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આ મંદિર એક “હિડન જેમ” તરીકે પ્રખ્યાત બની રહ્યું છે. જમીન નીચે સ્થિત ગુફા જેવી રચના, ઠંડકભર્યો માહોલ અને દીવડાઓની ધીમી રોશની ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. અહીં સતત “ૐ નમઃ શિવાય”ના જાપ અને ધૂપની સુગંધથી પવિત્રતા છવાયેલી રહે છે.
સ્થાનિક ભક્તો મુજબ, રોજિંદા જીવનની દોડધામ વચ્ચે આ મંદિર મનને શાંત કરવા માટે મહત્વપૂર્ણ સ્થાન છે. એક ભક્તે જણાવ્યું કે, “મંદિરની અંદર જતા જ શહેરનો અવાજ ગાયબ થઈ જાય છે અને મનમાં શાંતિનો અહેસાસ થાય છે.”
મંદિરના પૂજારી જણાવે છે કે, અહીં આવતા લોકો માત્ર દર્શન માટે નહીં, પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન માટે પણ આવે છે. ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન અહીં ભક્તોની સંખ્યા વધી જાય છે. આ સિવાય ગુપ્તેશ્વર મહાદેવના આ મંદિરમાં દર સોમવારે અને શિવરાત્રીના રોજ રામરોટી અને સદાવ્રત ચલાવવામાં આવે છે, જ્યાં 200થી 250 લોકો મહાદેવનો પ્રસાદ લે છે.
આ રીતે, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર શહેરના હૃદયમાં સ્થિત હોવા છતાં, આધ્યાત્મિક શાંતિ અને આત્મિક અનુભૂતિ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.




