આર્થિક રીતે પાયમાલ થવાની અણી પર આવી ગયો છે પાડોશી દેશ પાકિસ્તાન. હંમેશા રાજકીય કાવાદાવાથી, સૈન્યબળના દૂરુપયોગથી અને આતંકી પ્રવૃત્તિથી ભારતને દબાવવાનો પ્રયાસ કરતુ પાકિસ્તાન વેન્ટિલેટર પર જીવી રહ્યું છે. પોતાના છેલ્લા શ્વાસ લેતું હોય તેમ પાઇ પાઇ માટે મહોતાજ થઇ ગયું છે. આર્થિક સંકટમાંથી ઉપર આવવા માટે તે અનેક ઉપાયો આજમાવી રહ્યું છે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે, સરકાર IMF પાસેથી પણ લોન લેવાની કોશીશ કરી રહ્યું છે. અમેરિકા જેવા દેશો પાસેથી પણ મદદની ભીખ માગી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ડામાડોળ થઇ ગઇ છે કે સરકાર ગધેડા અને બકરી જેવા પ્રાણીઓની નિકાસ કરીને વિદેશી હુંડિયામણ વધારવાના પ્રયાસ કરીરહ્યું છે. સરકારના આટલા પ્રયાસો છતાં દેશમાં રોજિંદા જીવનની ચીજવસ્તુઓના ભાવ બમણા થઇ ગયા છે.
હવે પાકિસ્તાન સરકારના એક મંત્રીએ આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે એવું નિવેદન આપ્યું છે કે દરેકના મુખે તેની ચર્ચા છે, સરકારે પોતાની આવામને ચા ઓછી પીવાની અપીલ કરી છે. યોજના અને વિકાસ મંત્રી અહસાન ઇકબાલે દેશની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે હું આવામને અપીલ કરુ છું કે લોકો ચા પીવાનું ઓછું કરે કેમકે અમે જે ચાની આયાત કરીએ છીએ તે પણ ઉધાર લીધેલા નાણાંથી કરીએ છીએ.
ચાની આયાત કરતા દુનિયાના સૌથી મોટા દેશ પાકિસ્તાનની જનતાને આ અપીલ ગળે ન ઉતરી. અને સોશિયલ મીડિયા પર મંત્રી વિરુદ્ધ શરૂ થઇ તીખી પ્રતિક્રિયાનો દૌર..હાસ્યાસ્પદ વાત તો એ છે કે મંત્રીએ ચાના દુકાનદારોને સમય કરતા વહેલા દુકાન બંધ કરવાની પણ અપીલ કરી હતી, સાથે જ એવો તર્ક પણ આપ્યો હતો કે તેનાથી વીજળીની પણ બચત થશે.
છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં મોંઘવારીનો ગ્રાફ ઉપર જઇ રહ્યો છે. જેના કારણે ખાણી-પીણીની વસ્તુઓ, ગેસ અને ઇંધણના ભાવ વધી ગયા છે. વધતી મોંઘવારીને પગલે દેશનું વિદેશી હુંડિયામણ ઓછું થઇ રહ્યું છે. દેશને નાણાની ખૂબ જ જરૂરિયાત છે. પાકિસ્તાનના કેન્દ્રીય બેન્ક પાસે 16.3 બિલિયન ડોલરનું ફંડ હતું. તે મે માસમાં ઘટીને 10 બિલિયન ડોલર થઇ ગયું. નિષ્ણાતોનું માનીએ તો આ રકમ દેશની આયાત જરૂરિયાત માટે 2 મહિના સુધી જ ચાલશે.
કેમ આવ્યું આર્થિક સંકટ ?
પાકિસ્તાનમાં આવેલા આર્થિક સંકટને હાલમાં જ થયેલા સત્તા પલટાના પરિણામ સ્વરૂપ જોવામાં આવે છે. ઇમરાન ખાનને હટાવીને શહબાજ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી તો બની ગયા પરંતુ મોંઘવારી અને દેશની અર્થવ્યવસ્થાને પટરી પર લાવવી તેમના માટે મોટો પડકાર છે.
પાકિસ્તાન પર પસ્તાળ
આર્થિક સંકટમાંથી બહાર આવવા પાકિસ્તાન સરકારે બિનજરૂરી ચીજવસ્તુઓની આયાત ઓછી કરવા જણાવ્યું હતું, જોકે ટીકાકારોનું કહેવું છે કે આ પગલું ખૂબ જ મોડેથી ભરવામાં આવ્યું છે, તેનાથી માત્રા પાંચ ટકા જ અસર થઇ શકશે. વિદેશી હુંડિયામણ વધારવા માટે પાકિસ્તાન કેબિનેટે એક્સ્પોર્ટ નીતિમાં સુધારો કરીને જીવીત પ્રાણીઓના નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી લીધો. જેથી પાકિસ્તાને યુએઇને 100 બકરીઓ વેચી હતી. આ પહેલા ગધેડાઓને વેચીને પાકિસ્તાને પોતાની વિદેશી હુંડિયામણને વધારવાનો પ્રયાસ કર્યો. કહેવામાં આવે છે કે પાકિસ્તાની ગધેડાઓની ચીનમાં સૌથી વધુ માગ છે. જેના કારણે પાકિસ્તાનના લોકો અન્ય પ્રાણીઓની સરખામણીએ ગધેડા પાલન વધારે પ્રમાણમાં કરે છે. ચીન આ પ્રકારના ગધેડાઓની ખરીદી કરીને તેના ખાલમાંથી દવા બનાવે છે, જે બ્લડ સર્ક્યુલેશન વધારવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
ગધેડાની નિકાસથી આવક
ગધેડાની નિકાસની સાથે સાથે પાકિસ્તાને અનેક આયાત પર પણ કામ મુકી દીધો, જેમાં કાર, કોસ્મેટિક, મોબાઇલ ફોન, સિગરેટ, પેટ્રોલિયમ પેદાસો અને ક્રૂડનો સમાવેશ થાય છે, જેને પગલે પાકિસ્તાનમાં રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ 233 રૂપિયા લિટર વેચાઇ રહ્યું છે. ત્યારે સવાલ એ છે બકરા અને ગધેડાઓના ભરોસે શું પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર આવી શકશે ? કે પછી તેના પણ હાલ શ્રીલંકા જેવા થશે ?