મમતા બેનર્જીના કેબિનેટમાં મોટા કદના નેતા પાર્થ ચેટરજીની શિક્ષણ ભરતી કૌભાંડને લઇ ઈડીએ ધરપકડ કરી છે. જેને લઇ બંગાળમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.
પશ્ચિમ બંગાળના શિક્ષણ ભરતી કૌભાંડમાં મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકારમાં ઉદ્યોગ અને વાણીજ્ય મંત્રી પાર્થ ચેટરજીની 24 કલાકની પૂછપરછ બાદ ઈડીએ ધરપકડ કરી છે. મેજિસ્ટ્રેટ નીલમ શશિ કુજુરે કોલકાતાની બેંકશાલ કોર્ટમાં કેસની સુનાવણી કરી હતી. મંત્રી પાર્થને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા. મેજિસ્ટ્રેટે કહ્યું કે આ એક વિશેષ કેસ હોવાથી તે આ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી. ત્યારબાદ કોર્ટે પાર્થને બે દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે પાર્થ ચેટરજીને સોમવારે સવારે 10.30 વાગ્યે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પાર્થ ચેટરજીના નજીકના કહેવાતા અર્પિતા મુખર્જીના ઘરે પણ EDએ દરોડા પાડ્યા હતા. જ્યાંથી ઈડીને 20 કરોડ રૂપિયાની રોકડ, 20 ફોન, વિદેશી ચલણ, સોનાચાંદી અને જમીનના દસ્તાવેજો મળી આવ્યા છે. જેની તપાસ ઈડી કરી રહી છે. અર્પિતા મુખર્જીને પણ EDએ અટકાયતમાં લીધા છે. અર્પિતા સિવાય EDએ માણિક ભટ્ટાચાર્ય, આલોક કુમાર સરકાર, કલ્યાણ મોય ગાંગુલી સહિત 13 સ્થળે દરોડા પાડ્યા હતા. આ તમામનું શિક્ષણ ભરતી કૌભાંડમાં કનેક્શન સામે આવ્યુ છે જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડ બહાર આવતા જ ભાજપને TMCને ધેરવાની તક મળી ગઇ છે.
જોકે TMC હાલ અર્પિતા મુખરજી મુદ્દે બેકફુટ પર આવી ગઈ છે અને આ કૌભાંડ સાથે TMCને કોઈ લેવા દેવા નથી તેવું નિવેદન આપ્યુ છે. જોકે કોના દાવામાં કેટલો દમ છે અને શું હકીકત છે તે ઈડીની તપાસમાં બહાર આવી જ જશે.