અત્યાર સુધી આપે ભગવાન શ્રી રામના મંદિરો જોયા હશે, જ્યાં માત્ર રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનની પૂજા અર્ચના થતી હોય. પરંતુ આપે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે પ્રભુ શ્રી રામના બહેનની પૂજા કોઇ મંદિરમાં થતી હોય. આજે અમે આપને એવું મંદિર વિશે જણાવીશું જ્યાં શ્રી રામની બહેનની પૂજા થાય છે.
શ્રી રામના બહેનનું મંદિર આવેલું છે હિમાચલના કુલ્લૂમાં, જ્યાં તેમની પૂજા કરવામાં આવે છે, એટલું જ નહીં શ્રી રામના બહેનની જ નહીં પરંતુ તેમના પતિની પણ પૂજા કરવામાં આવે છે.

આપને ભગવાન શ્રી રામના પિતાનું કે માતાનું નામ યાદ હશે, પરંતુ આપને તેમની બહેનનું નામ યાદ નહીં હોય અથવા તો ખબર જ નહીં હોય. તમને એવું પણ થશે કે શું તેમની બહેન પણ હતી ? ખૂબ જ ઓછા લોકો એવા મળશે જેમને એ વાતનો ખ્યાલ હશે કે શ્રી રામની બહેન પણ હતી. અને તેમની પણ પૂજા કરવામાં આવે છે.
હિમાચલ પ્રદેશમાં એક એવું મંદિર છે, જ્યા મુખ્ય રીતે શ્રી રામના બહેનની પૂજા થાય છે. હિમાચલમાં કુલ્લૂથી લગભગ 50 કિલોમીટર દૂર એક પ્રાચિન મંદિર આવેલું છે, જ્યાં પ્રભુ શ્રી રામના બહેન શાંતા દેવીની દરરોજ પૂજા કરવામાં આવે છે. મંદિરમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ અન્ય શહેરોમાંથી શ્રદ્ધાળુઓ પણ આવીને પૂજા કરે છે. કહેવાય છે કે જે ભક્ત આ મંદિરમાં સાચી આસ્થાથી પૂજા કરે છે, તેને શાંતા દેવીની સાથે સાથે પ્રભુ શ્રી રામનો પણ આશિર્વાદ મળે છે. અહીં દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામની બહેન શાંતા તેમનાથી મોટા હતા. ઘણા બઘા લોકોનું માનવું છે કે તેમના જન્મ બાદ, રાજા દશરથનો વંશ ચલાવવા માટે કોઇ પુત્ર સંતાન નહોતું. ત્યાર બાદ રાજા દશરથે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. યજ્ઞ થયા બાદ રામ, ભરત, અને જુડવા (TWINS)લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. જોકે એવું કહેવામાં આવે છે કે ચાર ભાઇયોના જન્મ પહેલા રાજા દશરથે તેમની દિકરીને દત્તક આપી દીધી હતી.

શ્રી રામના બહેન હતા અને તેમનું નામ શાંતા હતું તેવો રામાયણમાં પણ ઉલ્લેખ છે. તેઓ ચાર ભાઇઓમાં સૌથી મોટા હતા. કહેવામાં આવે છે કે શાંતા દશરથ અને કૌશલ્યાની દિકરી હતી, જેને કૌશલ્યાની મોટી બહેન વાર્શિનીએ દત્તક લીધી હતી. કહેવામાં આવે છે કે વાર્શિનીને કોઇ સંતાન નહોતી જેને પગલે તેમણે શાંતાને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને રાજા દશરથે તેમને દત્તક આપી દીધી.
પૌરાણિક કથાઓ અનુસાર, શાંતાને વેદો અને કલાઓની સાથે સાથે શિલ્પકળાનું જ્ઞાન હતું. શાંતા દેવીના લગ્ન શ્રૃંગ ઋષિ સાથે થયા હતા. સાથે જ ભગવાન રામની બહેન અંગ દેશની રાણી પણ હતી. કુલ્લૂના શાંતા મંદિરમાં દેવીની સાથે સાથે તેમના પતિ શ્રૃંગ ઋષિની પણ પૂજા કરવામાં આવે છે.