સંસદ એ લોકશાહીનું મંદીર છે, અને મંદિરમાં હંમેશા મર્યાદાથી વર્તવાનું હોય, ત્યારે સત્તાના નશામાં મદ ભાજપના એક સાંસદ લોકશાહીના આ મંદિરમાં ભાન ભૂલી બેઠા કે તેમને એ પણ ભાન ન રહ્યું કે તેઓ શું બોલે છે. કોઇ રસ્તા પર રખડો લુખ્ખો મવાલી જે ભાષાનો ઉપયોગ કરે તેવી ભાષાનો ઉપયોગ કરી તેમણે લોકતંત્રના આ મંદિરને કલંકિત કરવાનું હીન કૃત્ય કર્યું છે. તેમના આ વલણ અને વર્તનની ચોતરફ મજાક બની રહી છે, લોકો તેમના પર ભારોભાર રોષ ઠાલવી રહ્યા છે. સંસદમાં તેઓ એલફેલ તો બોલી ગયા.તેમને એવું કે આપણું જ રાજ છે..શું થવાનું છે? પરંતુ મીડિયામાં આલોચના..લોકરોષ સામે આવતા હવે સંસદની બહાર પણ તેમની બોલતી બંધ થઇ ગઇ છે. મીડિયાના કેમેરા તેમની સામે આવતા તેમના મોઢામાંથી નીકળે છે માત્ર “NO COMMENT..”
દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ કુંવર દાનિશ અલી પર અપમાનજનક, વિવાદાસ્પદ ટિપ્પણી કરી.જે મામલે દાનિશ અલીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખી બિધૂડીનો કેસ વિશેષાધિકાર સમિતિને મોકલવાની માગ કરી છે.
ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ લોકસભામાં ચંદ્રયાન પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન સાંસદ કુંવર દાનિશ અલી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર મામલે ભાજપે બિધૂડીને કારણ બતાવો નોટિસ પણ પાઠવી હતી. બીજી બાજુ દાનિશ અલીએ આ કેસ વિશેષાધિકાર સમિતિને મોકલવાની માગ કરી છે. જો કે, વિશેષાધિકારના ઉલ્લંઘનની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ વિશેષાધિકારના ઉલ્લંઘન મામલે અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. તો જોઇએ શું છે વિશેષાધિકાર. અને કેવા પ્રકારની તેમા કાર્યવાહી કરવામાં આવે છે.
ગૃહના સભ્ય હોવાને કારણે દરેક સાંસદ અને સભ્યને વિશેષાધિકાર હોય છે…પરંતુ જો કોઇપણ સભ્ય ગૃહમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરે, અપમાન કરે છે કે, કોઇ પ્રકારની ટિપ્પણી કરે છે તો તેને વિશેષાધિકારનો ભંગ કર્યો કહી શકાય છે….તેમજ જો કોઈ સંસદસભ્ય વિશેષાધિકારના ભંગ માટે દોષિત સાબિત થાય છે, તો તેને માફ કરવા, ચેતવણી સાથે મુક્ત કરવા અથવા તેને જેલમાં મોકલવાનું ગૃહ પર નિર્ભર હોય છે. વિશેષાધિકાર ઉલ્લંઘન મામલે શું પગલા લઇ શકાય તે આ પ્રમાણે છે.
- વિશેષાધિકાર ઉલ્લંઘન સામે શું છે કાર્યવાહી?
- વિશેષાધિકાર ભંગના કેસની તપાસ માટે વિશેષ સમિતિ
- નિયમ 227 હેઠળ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ થાય છે
- ગૃહનો સભ્ય અન્ય સભ્ય વિરુદ્ધ લાવી શકે છે પ્રસ્તાવ
- વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ બાદ સ્પીકરની મંજૂરી જરૂરી
- દરખાસ્ત મંજૂરી બાદ વિશેષાધિકાર સમિતિ દ્વારા તપાસ
- વિશેષાધિકાર સમિતિની તપાસ બાદ સંસદને રિપોર્ટ સોંપે છે
- રિપોર્ટ બાદ ગૃહ સમિતિના નિર્ણયને બહાલી આપે છે
- દોષિત સાબિત થાય તો સસ્પેન્ડ કરવામાં આવે છે
અત્યાર સુધી વિશેષાધિકારોના ઉલ્લંઘનના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. એક સમયે વિશેષાધિકારનો ભંગ મામલે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ જેલ જવું પડ્યું હતું..જોઇએ શું હતો સમગ્ર મામલો. તો, ગૃહમંત્રી ચૌધરી ચરણ સિંહે ઈમરજન્સી દરમિયાન થયેલા અત્યાચાર અંગે જસ્ટિસ શાહ કમિશનના રિપોર્ટના આધારે ઈન્દિરા ગાંધી સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઈન્દિરા ગાંધી પર કામમાં અવરોધ, કેટલાક અધિકારીઓને ધમકાવવા, તેમનું શોષણ કરવા અને ખોટા કેસોમાં ફસાવવાનો આરોપ હતો. ત્યારે 20 ડિસેમ્બર 1978ના રોજ સંસદ સભ્યપદ નાબૂદ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સત્ર ચાલુ રહે ત્યાં સુધી તેને જેલમાં મોકલવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.. જોકે, તેમણે મુક્ત કરાયા બાદ લોકસભાએ તેમની હકાલપટ્ટી પાછી ખેંચી હતી.
અગાઉ 1976માં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સ્વામી પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ વિદેશી પ્રકાશકોને આપવામાં આવેલા ઇન્ટરવ્યુ દ્વારા ગૃહનું અપમાન કરવાનો આરોપ હતો. ગૃહ દ્વારા પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ સ્વામીને ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વિશેષાધિકારનો ભંગ એક એવો મામલો છે જે ભલભલાને જેલના સળિયા ગણાવી પણ શકે છે.