ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા સત્તાપક્ષ અને વિપક્ષ સહિતની તમામ રાજનૈતિક પાર્ટીઓ સક્રિય મોડમાં આવી ગઇ છે. ભારતીય જનતા પાર્ટીએ તો પોતાના કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતના મેદાનમાં ઉતારી દીધી છે. ભલે ચૂંટણી પંચે હજુ ચૂંટણીની તારીખો જાહેર ન કરી હોય. પરંતુ PM મોદી પણ એક પછી એક ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યા છે. છેલ્લા 30 દિવસમાં વડાપ્રધાને ગુજરાતમાં ત્રણ પ્રવાસ ખેડ્યા છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને આવરી લીધું છે. મહેસાણા, અમદાવાદ, જામકંડોરણા, ભરૂચમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ જંગી સભાઓને સંબોધી. ભવ્ય રોડ શો કર્યા. નવરાત્રીમાં મા અંબાના ચરણે શીશ નમાવ્યું. મોઢેરા સૂર્ય મંદિરમાં લેસર લાઇટ શોનું ઉદઘાટન કર્યુ. મોઢેરાનું સોલરાઇઝેશન થતા જ વિશ્વનું સૌથી પહેલું સોલર પાવર્ડ વિલેજ બન્યું છે. અમદાવાદની એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં વિશ્વની સૌથી મોટી કિડની હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 17 અને 18 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવે તેવી સંભાવના છે. તેમના આગામી પ્રવાસ દરમિયાન તેઓ જૂનાગઢમાં જંગી સભાને સંબોધશે. રાજકોટમાં રોકાણ કરશે. તેમ જ અમદાવાદના રિવરફ્રંટ ખાતે ડિફેન્સ એક્સ્પો-2022 ઉદઘાટન કરી શકે છે.