સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢમાં કોન્ટ્રાક્ટરના વાંકે હજારો શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક રોપવે સેવા બંધ કરાતા હજારો યાત્રાળુઓ મહાકાળીના દર્શનથી દૂર રહ્યા હતા. ઉષા બ્રેકો કંપની દ્વારા સંચાલન કરવામાં આવતા રોપ વેને ખરાબ હવામાનનું કારણ આગળ ધરીને બંધ કરી દેતા માઈભક્તોમાં રોષે ભરાયા હતા.
રોપવે સેવા બંધ કરાતા હજારો યાત્રાળુઓ અટવાયા
પાવાગઢમાં આસ્થા, શક્તિ, શ્રદ્ધા અને ભક્તિ સાથે મહાકાળી માતાજીની આરાધના કરવા આવતા ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ અચાનક રોપ વે સેવા બંધ કરી દેતા યાત્રાળુઓએ પગથિયા ચડી માતાજીના દર્શન માટે જવાની ફરજ પડી હતી. તો રોપ વે સેવા બંધ રહેવાના કારણે ગુજરાત અને અન્ય રાજ્યમાંથી આવેલા વયોવૃદ્ધ માઈ ભક્તો દર્શન કર્યા વિના નિરાશ વદને પરત ફરતા જોવા મળી રહ્યા છે. તો એક તરફ વાતાવરણ સારૂં હોવા છતાં રોપ વે સંચાલકો વાતાવરણનું કારણ દર્શાવી મનમાની કરી રહ્યા હોવાના સ્થાનિકો તેમજ યાત્રાળુઓ આક્ષેપ કરી રહ્યા છે,ત્યારે ભક્તોમાં રોપ વે સેવા રેગ્યુલર શરૂ કરવા ઉગ્ર માંગ ઉઠી છે.
સમગ્ર મામલે રોપ વે સેવાનો સંચાલન કરતી ઉષા બ્રેકોના અધિકારી સાથે વાત કરતા રોપ વે સંચાલકો કેમેરા સામે કઈપણ બોલવા ઇન્કાર કરી ટુંક સમયમાં રોપ વે શરૂ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે. જોકે કંપની દ્વારા આવા જવાબ છેલ્લા ત્રણ દિવસથી આપવામાં આવતા અનેક પ્રશ્નો સર્જાયા છે. છેલ્લા ત્રણ દિવસથી રોપવે સેવા બંધ હોવાના કારણે જગતજનની ના દર્શન કર્યા વિના પરત ફરી રહેલા માઈ ભક્તો ભાવુક બની સરકાર ને રોપ વે સેવા શરૂ કરવા માટે આજીજી કરી રહ્યા છે. તો બીજી તરફ રોપવે સેવા સંચાલન કરતી કમ્પની દ્વારા રોપ વે સેવા બંધ રાખવા માટે કોઈ પણ પ્રકારની જાહેરાત નહિ કરતા યાત્રાળુઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
ઉષા બ્રેકો કંપનીના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
ઉલ્લેખનિય છે કે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા યાત્રાધામ પાવાગઢ ખાતે તમામ પ્રકારના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાવાગઢ માચી ખાતે આવેલ હોટેલ, સહિત નાની મોટી દુકાનો સાથે રોપ વેની સેવા આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા પણ કરવામાં આવેલ દબાણો પર પણ વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને કંપની દ્વારા બનાવવામાં આવેલા ગેટ સહિત ગાર્ડનને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી રોપવે સેવા સુધી પહોંચતા રોપવે સેવાના સંચાલકો દ્વારા હવામાન ખરાબ હોવાના કારણ રજૂ કરી યાત્રાળુઓ માટે રોપ વે સેવાની સુવિધા બંધ કરી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે,.તો હવે રોપવે સેવા બંધ કરી દેતા પદયાત્રીઓને પ્રાથમિક સુવિધા પણ ન મળતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાવાગઢ માચીથી નીજ મંદિર સુધી ચાલતા જવાના માર્ગ પર પીવાના પાણીની સુવિધા તેમ જ પગથિયાઓમાં અસહ્ય ગંદકીને લઈને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે પદયાત્રીઓ સરકાર પાસે સાફ-સફાઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટેની પણ માગ કરી રહ્યા છે.