Paris Olympics માં ભારતે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. અહીં ગુરુવારે તીરંદાજીના ક્વોલિફાયર રાઉન્ડમાં બંને ભારતીય ટીમો ટોપ-4માં રહીને સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી.
લેસ ઇન્વેલિડ્સ ગાર્ડનમાં બપોરે, પ્રથમ મહિલા ટીમે ચોથું સ્થાન મેળવીને ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું, ત્યારબાદ સાંજ સુધીમાં પુરુષોની ટીમે ટોપ-3માં સ્થાન મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
યુવા અંકિતા ભકતની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે 1983 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે ધીરજ બોમ્માદેવરાના જોરદાર પ્રદર્શનની આગેવાની હેઠળની પુરૂષ ટીમે 2013 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ટોપ-8માં ભારતીય મહિલા ટીમનો સામનો ફ્રાન્સ અને નેધરલેન્ડની વિજેતા સાથે થશે. જ્યારે ભારતીય પુરુષ ટીમ તુર્કી અને કોલંબિયાની વિજેતા સાથે રમશે.
Paris Olympics માં આ વખતે ભારત પાંચેય ઈવેન્ટમાં ભાગ લેશે. આમાં મહિલા ટીમ, પુરૂષોની ટીમ, મહિલા સિંગલ્સ, પુરૂષ સિંગલ્સ અને મિશ્રિત ડબલ્સનો સમાવેશ થાય છે અને પાંચેય ઇવેન્ટમાં મેડલની રેસમાં છે. આ વખતે લાગે છે કે તીરંદાજો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે.
યુવા અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરાએ રેન્કિંગ રાઉન્ડમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. અંકિતા 666 પોઈન્ટ સાથે મહિલા વર્ગમાં 11મા ક્રમે રહી હતી. જ્યારે ધીરજ બોમ્માદેવરાએ પુરૂષ વર્ગમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. હવે અંકિતા અને ધીરજની જોડી મિશ્ર ઈવેન્ટમાં જોવા મળશે. મિશ્ર ઈવેન્ટમાં, દેશના ટોચના તીરંદાજોને પુરૂષો અને મહિલા વર્ગોમાં જોડી દેવામાં આવે છે.
આ પણ વાંચો: Asia Cup: ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું