મહાશિવરાત્રિને પર્વને લઇને અનેક દંતકથાઓ પ્રચલિત છે, જેમાં એક કથા નિષાદરાજ સાથે જોડાયેલી છે, જ્યારે બીજી કથાનુસાર આ દિવસે માતા પાર્વતીજીએ શંકર ભગવાનને પતિ સ્વરૂપે પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. જેમની તપસ્યાથી પ્રસન્ન થઇને શિવજી ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા હતા. એટલા માટે મહાશિવરાત્રિને પવિત્ર માનવામાં આવે છે.
મહાશિવરાત્રિનો પર્વ ફાગણ માસના કૃષ્ણપક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 1 માર્ચ, 2022ના દિવસે મંગળવારે મનાવવામાં આવશે.
આ દિવસે ભગવાન શિવની પૂજાઅર્ચના કરવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે મહાશિવરાત્રિની રાત્રે શિવજીનો અભિષેક કરવાથી જાતકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રિને લઇને ઘણી બધી કથાઓ પ્રચલિત છે. આવો જાણીએ નિષાદરાજ સાથે જોડાયેલી મહાશિવરાત્રિની આ રસપ્રદ કથા…
નિષાદરાજ સાથે જોડાયેલી મહાશિવરાત્રિની રસપ્રદ કથા
ગરૂડપુરાણ અનુસાર એક સમયે નિષાદરાજ પોતાના પાળતુ શ્વાન સાથે શિકાર કરવા માટે નિકળે છે. લાંબા સમય સુધી જંગલમાં ફરવા છતાં તેમને કોઇ શિકાર નથી મળતો. તેઓ થાકી જાય છે અને ભૂખ અને તરસથી તેમના હાલ બેહાલ થઇ જાય છે. નજીકના એક તળાવ પાસે તેઓ બેસી જાય છે, તેઓ જે વૃક્ષની નીચે બેસે છે તે બિલ્વનું વૃક્ષ હોય છે. તળાવની પાસે એક શિવલિંગ પણ હતું.પોતાના શરીરને આરામ આપવા માટે નિષાદરાજે થોડા બિલ્વના પત્તા તોડ્યા. જેમાંથી કેટલાંક શિવલિંગ પર પણ પડ્યા. પોતાના પગ ધોવા માટે તેમણે તળાવમાંથી પાણી લીધું. ખોબામાં લીધેલું પાણી શિવલિંગ પર પણ પડ્યું. આ દરમિયાન તેમનું એક તીર નીચે પડી ગયું, જેને ઉઠાવવા તેઓ નીચે નમ્યા. આમ તેમણે શિવરાત્રિ પર શિવજીની પૂજા અજાણતા જ કરી બેઠા.
મૃત્યુ પછી જ્યારે યમદૂત તેમને લેવા આવ્યા તો શિવના ગણોએ તેમની રક્ષા કરી અને તેમને ભગાવી દીધા. માન્યતા છે કે જ્યારે અજાણતા મહાશિવરાત્રિએ શિવજીની પૂજા કરવાનું આવું ફળ મળે છે તો જાણી જોઇને અને સભાનતાવશ પ્રભુની ભક્તિ કરવાથી કેટલું ફળદાયી હશે.
જ્યારે બીજી દંત કથા એવી છે કે આ દિવસે માતા પાર્વતીજીએ શંકર ભગવાનને પતિ સ્વરૂપે પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. જેમની તપસ્યાથી પ્રસન્ન થઇને શિવજી ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા હતા. એટલા માટે મહાશિવરાત્રિને પવિત્ર માનવામાં આવે છે.