એક તરફી પ્રેમમાં પાગલ બનેલા સનકી યુવાને યુવતીનું જાહેરમાં ગળુ કાપી હત્યા કરી નાખી. આ ઘટના બની છે ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના જ ગઢ સુરતના કામરેજ વિસ્તારમાં. યુવકે વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા આ ઘટનાને અંજામ આપ્યો. યુવક યુવતીના પ્રેમમાં એટલી હદે પાગલ હતો કે તે ઇચ્છતો હતો કે યુવતી તેને વેલેન્ટાઇન ડેના દિવસે ડેટ કરે પરંતુ યુવતીએ ના કહેતા તેના માથે ખૂન સવાર થઇ ગયું અને તે ચાકુ લઇને યુવતીના ઘરે પહોંચી ગયો પહેલા તેણે યુવતીના પરિવાર પર હુમલો કર્યો, બાદમાં તેણે યુવતીને ચાકુની અણીએ બાનમાં લીધી. અને જાહેરતમાં જ તેનું ગળુ કાપી નાખ્યું.
યુવક આટલેથી ન અટક્યો તે સંપૂર્ણ પ્લાન સાથે આવ્યો હોય તે રીતે તેણે ઝેરી દવા પોતાના ખિસ્સામાંથી બહાર કાઢી અને ત્યાં જ ગટગટાવી લીધી. ત્યાંથી તે નાસી છૂટ્યો છરો લઇને લથડિયા ખાતો એક સોસાયટીમાં પહોંચી ગયો અને ત્યાં જઇને તેણે પોતાના હાથની નસો કાપવા લાગ્યો. તેણે પોતાના હાથ પર ચાકુના પાંચ ઘા માર્યા. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
આ ઘટનાને લઇને ગુજરાતમાં રાજકારણ પણ તેજ થઇ ગયું છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સુરત જ સલામત નથી, સંઘવીના કૌટુંબિંક કાકાની પણ હત્યા થઇ ગઇ હતી તો તેઓ ગુજરાતની પ્રજાને કેવી રીતે સુરક્ષા આપશે ?
જોકે હર્ષ સંઘવીએ ખૂબ જ મૃતક યુવતીના પરિવારના ઘરે જઇને મુલાકાત કરી, ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને આરોપીને કડકમાં કડક સજા કરીને પરિવારને ન્યાય આપવાનું આશ્વાસન આપ્યું.