ઉત્તર પ્રદેશમાં મંદિર-મસ્જીદ સાથે જોડાયેલા ત્રણેય મામલે કોર્ટમાં સુનાવણી થઇ. વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જીદમાં સર્વે કેસમાં ચુકાદાની નવી તારીખ આપી છે. જ્યારે તાજમહેલ સાથે સંબધિત અરજી કોર્ટે રદ કરી દીધી છે. તો મથુરા ઇદગાહ કેસમાં હાઇકોર્ટે સેશન્સ કોર્ટેને આદેશ આપ્યા છે.
જ્ઞાનવાપીમાં સર્વે વિવાદ
સૌથી પહેલા વાત કરીએ વારાણસીની જ્ઞાનવાપી મસ્જીદમાં સર્વે વિવાદની. સમગ્ર મામલો હાલ કોર્ટમાં છે, ત્યારે બીજા પક્ષે કમિશનરને હટાવવાની માગ કરી હતી, પરંતુ કોર્ટે મસ્જીદની અંદર સર્વેને લઇને નવી તારીખ આપી છે. જોકે કોર્ટે મહત્વનો ફેસલો સંભળાવતા બીજા પક્ષને ઝટકો આપ્યો છે અને જ્ઞાનવાપી મસ્જીદ સર્વેમાં નિમણૂક કરવામાં આવેલા એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઇનકાર કરી દીધો છે. સાથે જ કોર્ટે કોર્ટ કમિશનર અજય મિશ્રા ઉપરાંત વિશાલ કુમાર સિંહ અને અજય સિંહને પણ કોર્ટ કમિશનર બનાવવાના આદેશ આપ્યા છે. આ બંને અથવા બંનેમાંથી કોઇ એક સર્વેની કામગીરી દરમિયાન હાજર રહેશે. સાથે જ જ્ઞાનવાપી મસ્જીદનો સર્વે 17 મે પહેલા પૂર્ણ કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે 17 મેના રોજ રિપોર્ટ જમા કરાવવાના આદેશ આપ્યા છે. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું કે જે પણ લોકો સરકારી કાર્યમાં અડચણ ઉભી કરવાની કોશીશ કરશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અંજુમન ઇંતજામિયા મસાઝિદ કમિટિએ કમિશનરને હટાવવાની કોર્ટમાં અરજી કરી હતી. ત્રણ દિવસ દલિલ ચાલ્યા બાદ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
કોર્ટે જ્ઞાનવાપી મસ્જીદમાં સર્વેનો આદેશ 5 મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો હતો. જેમાં તેમણે શૃંગાર ગૌરીમાં રોજ પૂજાનો અધિકાર માગ્યો હતો, ત્યાર બાદ કોર્ટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી હતી. પરંતુ સર્વે દરમિયાન જ્ઞાનવાપી મસ્જીદમાં હોબાળો થયો અને સમગ્ર સર્વેની કામગીરી અટકી ગઇ. ત્યારબાદથી લઇને સંપૂર્ણ મામલો કોર્ટમાં હતો. કોર્ટે 17 મે પહેલા સર્વે પૂર્ણ કરવા આદેશ આપ્યા.
શું છે જ્ઞાનવાપી વિવાદ?
5 મહિલાઓએ કરી હતી કોર્ટમાં અરજી
શૃંગાર ગૌરીમાં દરરોજ પૂજાનો માગ્યો અધિકાર
કોર્ટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી
જ્ઞાનવાપી મસ્જીદમાં સર્વે કરવા ટીમ પહોંચી
હંગામાં વચ્ચે સર્વેની કામગીરી ખોટકાઇ
કોર્ટે 17 મે પહેલા સર્વે પૂર્ણ કરવા આદેશ આપ્યા
કેટલાક હિંદુ સંગઠનો પણ સતત આ મામલે માગ કરી રહ્યાં છે કે અઝાન તો ગમે ત્યાં થઈ શકે પણ આ મંદિરનું ઐતિહાસિક મહત્વ છે.
કૃષ્ણજન્મભૂમિ વિવાદ
રામજન્મભૂમિ વિવાદનો નિવેડો માંડ આવ્યો ત્યારે હવે કૃષ્ણજન્મભૂમિનો વિવાદ ચગ્યો છે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે અલ્હાબાદ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. હાઇકોર્ટે મથુરાની કોર્ટને નિર્દેશ આપ્યો કે 4 મહિનાની અંદર તમામ અરજીઓનો નિવેડો લાવી દેવામાં આવે. સાથે જ હાઇકોર્ટે સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય પક્ષકારોના સુનાવણીમાં સામેલ ન થવા પર એકપક્ષીય આદેશ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે કે મનીષ યાદવની અરજી પર હાઇકોર્ટે આ ફેસલો સંભળાવ્યો. સમગ્ર વિવાદ પર નજર કરીએ તો…
તાજમહેલ વિવાદ
તાજમહેલના 22 ઓરડા ખોલવાની માગને લઇને કરવામાં આવેલી અરજી પર પણ મહત્વનો ચુકાદો કોર્ટે સંભળાવ્યો. લખનઉ હાઇકોર્ટે તાજમહેલના 22 ઓરડા ખોલવાની માગ કરતી અરજી ફગાવી દીધી. કોર્ટે અરજીકર્તાની ઝાટકણી પણ કાઢતા કહ્યું કે આપ પહેલા ઇતિહાસનું પઠન કરીને આવો. પીએચડી કરો બાદમાં અમારી પાસે આવો.
ભારતમાં જ્યારે મુગલો આવ્યા ત્યારે તેઓ મુસ્લિમ ધર્મના પ્રચાર પ્રસારની નીતિ સાથે આવ્યા હતા. તેઓ હિન્દુ સંસ્કૃતિ, મંદિરોને નષ્ટ કરીને મસ્જીદોનું નિર્માણ કરાવતા તે વાસ્તવિકતા છે. પરંતુ તાજમહેલ પણ આવા જ કોઇ ધાર્મિક સ્થાન પર ઊભુ કરાયું છે કે કેમ તે એક તપાસનો વિષય છે.