Iran ના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. Iran ની સેમી-ઓફિશિયલ ન્યૂઝ એજન્સી મેહરે આની જાહેરાત કરી છે. તેમની સાથે હેલિકોપ્ટરમાં હાજર વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દુલ્લાહિયનના મૃત્યુની માહિતી પણ આપવામાં આવી છે. આ પહેલા તેમના હેલિકોપ્ટરનો કાટમાળ અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ રઈસી સહિત 9 લોકો સવાર હતા.
હેલિકોપ્ટર રવિવારે સાંજે લગભગ 7.00 વાગ્યે અઝરબૈજાન નજીક ગુમ થયું હતું. આખી રાત તેની શોધ ચાલી રહી હતી. આ વિસ્તારમાં ભારે વરસાદ, ધુમ્મસ અને ઠંડીના કારણે શોધખોળ કરવામાં મુશ્કેલી પડી હતી. આ દરમિયાન ત્રણ બચાવકર્મીઓ પણ ગુમ થયા હતા.

રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન ઉપરાંત, હેલિકોપ્ટરમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલીહાશેમ, એક પાઇલટ, સહ-પાયલટ, ક્રૂ ચીફ, સુરક્ષાના વડા અને અંગરક્ષક હતા.
ઈરાનના સરકારી મીડિયા IRNA અનુસાર, રઈસી 19 મેના રોજ સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. પરત ફરતી વખતે, આ દુર્ઘટના અઝરબૈજાનની સરહદ નજીક ઈરાનના વરઝેઘાન શહેરમાં થઈ હતી.
અલજઝીરાના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળી ગયું હતું. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન ઘણા મૃતદેહો પણ બળીને રાખ થઈ ગયા હતા, જેના કારણે તેમની ઓળખ થઈ શકી નથી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તેણે કહ્યું, “રઈસીના આકસ્મિક અવસાનથી મને આઘાત લાગ્યો છે. તેમણે ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી સંવેદના. આ મુશ્કેલ સમયમાં ભારત ઈરાન સાથે ઉભો છે.”
તે જ સમયે, ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે પણ રઈસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “હું જાન્યુઆરીમાં જ તેમને મળ્યો હતો. અકસ્માતના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”
આ પણ વાંચો: Sunil Chhetri: ભારતીય ફૂટબોલના સુવર્ણસમયનો અંત…