કોરોનાનો કપરો સમય ભારત સહિતના દુનિયાના તમામ દેશોએ જોયો છે. હજુ તો કોરોના વાયરસના ઘા ભરાયા નથી ત્યાં તો નવા જ વાયરસે દેશમાં દેખા દીધા છે અને આ વાયરસનું નામ છે H3N2. આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 90 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે, જ્યારે કર્ણાટક અને હરિયાણામાં પણ 6 દર્દીના H3N2થી મોત નિપજ્યા છે. એટલું નહીં સુરતના કાપોદ્રાની એક મહિલાનું આ વાયરસથી મોત થયાની આશંકા છે, જેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. લેબ ટેસ્ટ બાદ પુરવાર થશે કે મહિલાનું મોત H3N2ને લીધે થયું છે કે કેમ.
કોરોના પછી હવે H3N2 વાયરસ એટલે કે ઈન્ફ્લુએન્ઝા વાયરસનો આતંક ફેલાઇ રહ્યો છે. H3N2 વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. આ મોત, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં થયા હોવાની પુષ્ટિ થઈ છે. બાળકો અને વૃદ્ધો વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે. 15 ડિસેમ્બર બાદ H3N2ના કેસમાં વધારો થયો છે.
ICMRએ એ પણ જણાવ્યું છે કે, એક્યુરેટ રેસપેરિટરી ઇન્ફેક્શન SARIથી પીડાતા અડધાથી વધુ લોકોને H3N2 વાયરસ મળ્યો છે. H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાઈરસ છે જેને ઈન્ફલ્યુએન્ઝા એ વાઈરસ પણ કહેવામાં આવે છે. આ એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે જે દર વર્ષે રોગોનું કારણ બને છે.
ઈન્ફલ્યુએન્ઝા એ વાઈરસનો પેટાપ્રકાર છે જે 1968 માં શોધવામાં આવ્યો હતો. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને પહેલેથી જ અસ્થમા અને હૃદયના દર્દીઓ છે. તો H3N2 વાઈરસ થવાનું જોખમ છે. રાજ્યમાં આ વાયરસના કારણે દવાની માગમાં 30 ટકા એન્ટીબાયોટિક, એન્ટીએલર્જિક દવાની માગ વધી છે.
ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો છે. જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું. તો કોરોનાએ ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 30 કેસ નોંધાયા અને કુલ આંકડો 136એ પહોચ્યો છે જેમાં સુરતમાં એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતાં 60 વર્ષીય વૃદ્ધાને કોરોનાનાં લક્ષણો બાદ 4 માર્ચે સ્મીમેરમાં દાખલ કરાયા હતાં. જ્યાં બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે સવારે મહિલાનું મોત નીપજ્યું હતું. તો અમદાવાદીઓને પણ સાવધાન થવાની જરૂર છે કેમકે શહેરમાં શરદી ઉધરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજના સરેરાશ 3500 કરતા વધારે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આખરે શું છે ઇન્ફ્લુએન્ઝાના H3N2 ?
આ વાયરસ પણ કોરોના જેવો જ છે, જે ઝડપથી સંક્રમણ ફેલાવે છે. જેને લીધે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. H3N2 ઈન્ફ્લુએન્ઝાને હોંગકોંગ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફ્લૂને ઈન્ફ્લુએન્ઝા A વાયરસનો સબટાઈપ છે.
H3N2 વાયરસના શું છે લક્ષણો ?
આ ફ્લૂના કારણે દર્દીને શ્વાસ સંબંધિત બિમારી થાય છે.
અન્ય ઋતુગત ઈન્ફ્લુએન્ઝા વાયરસના લક્ષણો અને H3N2 ફ્લૂના લક્ષણો એકસમાન છે. આ ફ્લૂના મુખ્ય લક્ષણોમાં ખાસ કરીને
- તાવ આવવો
- ગળામાં ખરાશ
- શરીરમાં દુઃખાવો
- નાકમાંથી પાણી નીકળવું તે મુખ્ય લક્ષણો છે.
આ એક એવો વાયરસ છે કે, તેના લક્ષણોમાં આપમેળે ફેરફાર થાય છે, જેને એન્ટિજેનિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે. આ એક ગંભીર બિમારી છે અને સાવચેતી રાખવી જરૂરી છે. દેશમાં કોરોનાનાં કેસ ઓછા થયા છે, પરંતુ ફ્લૂના કેસ વધી રહ્યા છે.
H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસ એક પ્રકારનો ચેપી ફ્લૂ છે. જો કોઈ વ્યક્તિને આ ફ્લૂ થાય અને તે અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે તો તેને પણ આ ફ્લૂ થઈ શકે છે.
સાવચેતી શું રાખશો ?
જેથી સામાજીક અંતર જાળવવું જરૂરી છે અને શ્વાસ દ્વારા પણ આ ફ્લૂ ફેલાઈ શકે છે. આ કારણોસર છીંક આવે ત્યારે મોંઢું ઢાંકવું ખાસ જરુરી છે.જો તમને આ ફ્લૂ થાય તો તાવ ઓછો થાય તે પછીના 24 કલાક સુધી ઘરમાં જ રહેવું. જેથી અન્ય લોકોમાં પણ આ બિમારીને ફેલાતી રોકી શકાય છે.
આ વાયરસના લક્ષણો પણ કોરોનાથી મળતા આવતા હોવાથી તેનાથી બચવા માટે પણ કોરોના જેવી જ SOP અપનાવવી જરૂરી છે.