શુક્રવારે Paris Paralympics માં ભારતે 4 મેડલ જીત્યા હતા. મહિલા શૂટિંગમાં અવની લેખરાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં સિલ્વર જીત્યો હતો. પ્રીતિ પાલે મહિલાઓની 100 મીટર ટી-35 કેટેગરીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અવની લેખરાએ Paris Paralympics માં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. તેણીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે મહિલાઓની 10 મીટર એર રાઈફલ શૂટિંગની SH1 શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. તેણે 249.7નો સ્કોર કર્યો. કોરિયાની યુનરી લીને સિલ્વર મળ્યો, તેનો સ્કોર 246.8 હતો.
શુક્રવારે ભારતનો ચોથો મેડલ પુરુષોની શૂટિંગમાં આવ્યો, જેમાં મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલની SH1 શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો. તે 234.9ના અંતિમ સ્કોર સાથે બીજા ક્રમે રહ્યો હતો.
ભારતની મોના અગ્રવાલે 228.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં અવની લેખરા બીજા અને મોના અગ્રવાલ પાંચમા ક્રમે રહી હતી. ફાઈનલમાં શૂટિંગના 2 રાઉન્ડ બાકી હતા, ત્યારે મોના 208.1ના સ્કોર સાથે ટોચ પર હતી. અવની બીજા અને કોરિયન શૂટર ત્રીજા ક્રમે રહી હતી.
ભારતને મહિલાઓની 100 મીટર T-35 કેટેગરીની રેસમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. પ્રીતિ પાલે 14.21 સેકન્ડમાં રેસ પૂરી કરી અને ત્રીજું સ્થાન મેળવ્યું. આ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય હતો. ગોલ્ડ અને સિલ્વર મેડલ ચીનના ખાતામાં ગયા. જિયા ઝોઉએ 13.58 સેકન્ડ સાથે પ્રથમ અને કિઆન ગુઓએ 13.74 સેકન્ડ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. T-35 કેટેગરીમાં, Tનો અર્થ ટ્રેક છે, જ્યારે 35 કેટેગરીમાં એવા એથ્લેટ્સનો સમાવેશ થાય છે જેમને હાયપરટોનિયા, એટેક્સિયા અથવા એથેટોસિસ જેવા રોગો છે.
આ પણ વાંચો: Vinesh Phogat: દેશના કરોડો લોકોની આશા તૂટી