ભારતે T-20 શ્રેણીની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું છે. આજની મેચમાં જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. India Vs Zimbabwe શ્રેણીની ચોથી મેચ 13 જુલાઈએ રમાશે.
India Vs Zimbabwe મેચની છેલ્લી ઓવર ફેંકી રહેલા આવેશ ખાને 18 રન આપ્યા હતા. આ રીતે ભારતે ત્રીજી T-20 મેચ 23 રને જીતીને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે સતત બીજી મેચ જીતી છે.
હરારે સ્પોર્ટ્સ ક્લબમાં બુધવારે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 4 વિકેટે 182 રન બનાવ્યા. 183 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 6 વિકેટે 159 રન જ બનાવી શકી હતી. ટીમે 39 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
અહીંથી ડીયોન માયર્સે 49 બોલમાં 65 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે ક્લાઈવ મડાન્ડે સાથે છઠ્ઠી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરીને આશાઓ વધારી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. ભારતીય ટીમ તરફથી વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આવેશ ખાનને 2 વિકેટ મળી હતી.
ભારતીય ટીમ વતી કેપ્ટન શુભમન ગિલે 50 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. ગિલે આ સિરીઝમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. ઋતુરાજ ગાયકવાડે 49 રન બનાવ્યા અને એક રનથી ફિફ્ટી ચૂકી ગયો. છેલ્લી મેચનો સદી કરનાર અભિષેક શર્મા માત્ર 10 રન બનાવી શક્યો હતો. યશસ્વી જયસ્વાલ (36 રન) બે જીવ આપ્યા બાદ કેચ આઉટ થયો હતો.
આ પણ વાંચો: India Vs Zimbabwe: પ્રથમ T20 મેચમાં ભારત 13 રનથી હારી ગયું