Share:

15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયું હતું. એ વાતને આજે 75 વર્ષ પૂરા થયા. સ્વતંત્ર ભારતની 130 કરોડની વસ્તી આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રીની એક હાકલથી જ આખો દેશ તિરંગામાં રંગાયો હતો. હર ઘર તિરંગા અભિયાનને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો.

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા બાપુને નમન કર્યું. તેઓ રાજઘાટ પર પહોંચ્યા અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી. ત્યારબાદ તેઓ લાલ કિલ્લા પર પહોંચ્યા જ્યાં તેમણે 9મી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પ્રધાનમંત્રીએ લાલકિલ્લાથી દેશવાસીઓને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ સૌથી પહેલા માત્ર દેશવાસીઓને જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયોને પણ આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી. PM મોદીએ દેશને આઝાદી અપાવનારા ક્રાંતિવીરો, ક્રાંતિકારીઓ, વિરાંગનાઓ અને મહાપુરુષોને યાદ કર્યા. તેમણે ગાંધીજી, જવાહરલાલ નહેરુજી, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, રાણી લક્ષ્મીબાઇ સહિતના તમામ ક્રાંતિવીરો, ક્રાંતિકારીઓ, વિરાંગનાઓ અને મહાપુરુષોને યાદ કરીને કહ્યું કે આજે તેમને શત શત નમન કરવાનો અવસર છે. તેમના બલિદાન વગર દેશને આઝાદી મળવી અશક્ય હતી, તેમનો સંકલ્પ મોટો હતો જેના લીધે આઝાદી મેળવી શક્યા.પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને અમૃતકાળમાં દેશને વિકસીત બનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આઝાદી બાદ દેશે અનેક ઉતાર ચઢાવ જોયા છે. દેશના વિકાસમાં અનેક અડચણો આવી છે. પરંતુ 75 વર્ષ બાદ આજે ભારત વિશ્વમાં એવા મુકામે આવીને ઉભો છે જ્યાં વિશ્વ અનેક સમસ્યાઓનો ઉકેલ ભારત પાસે શોધી રહ્યો છે. આજે દેશ સમર્થ્યવાન છે. અનેક બાબતોમાં અગ્રેસર છે. વિશ્વને ભારત પાસે ખૂબ જ અપેક્ષાઓ છે, આશાઓ છે.

પ્રધાનમંત્રી મોદીએ દેશની રાજનીતિના શુદ્ધિકરણની પણ વાત કરી. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારી નેતાઓને કોરાણે મુકી દેવાની જરૂર છે. જે નેતાઓ જેલમાં છે, જેમના પર ભ્રષ્ટાચારના આરોપ છે, તેવા નેતાઓનું મહિમામંડન કરવાનું બંધ કરવું જોઇએ.


Share:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here