વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે UAE ના અબૂ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું. તેમણે અહીં પૂજા કરી. BAPS મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને UAE સહિષ્ણુતા પ્રધાન નાહયાન બિન મુબારક અલ નાહ્યાનને સન્માનિત કરવામાં આવ્યા. અબૂધાબીનું આ મંદિર 27 એકરમાં ફેલાયેલું છે અને બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા બનાવવામાં આવ્યું છે. બાંધકામ પાછળ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
BAPS સંતોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ રિબન કાપીને અબૂ ધાબીમાં મંદિરનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા લોકોને શુભેચ્છા પાઠવી. મંદિર પરિસરમાં ભ્રમણ કર્યા બાદ વડાપ્રધાન મોદી અહીં હાજર ભારતીયોને પણ મળ્યા.
અબૂ ધાબીમાં એક ભવ્ય અને દિવ્ય મંદિર
વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજે UAEની ધરતીએ માનવ ઈતિહાસનો નવો સુવર્ણ અધ્યાય લખ્યો છે. આજે અબૂ ધાબીમાં એક ભવ્ય અને દિવ્ય મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ ક્ષણ પાછળ વર્ષોની મહેનત છે. આની સાથે વર્ષો જૂનું સપનું જોડાયેલું છે. તેની સાથે ભગવાન સ્વામી નારાયણના આશીર્વાદ જોડાયેલા છે. આજે પ્રમુખ સ્વામીનો આત્મા દિવ્ય જગતમાં જ્યાં પણ હશે ત્યાં પ્રસન્નતા અનુભવશે. પૂજ્ય પ્રમુખ સ્વામીજી સાથેનો મારો સંબંધ એક રીતે પિતા-પુત્રનો સંબંધ રહ્યો.”
“હું મા ભારતીની પૂજા કરૂં છું”
BAPS મંદિર વિશે અભિનેતા દિલીપ જોષી કહ્યું, “આ જોયા પછી પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આટલું સુંદર BAPS મંદિર બનાવવામાં આવ્યું છે. PM મોદીએ જ્યારે આ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે હું અહીં હાજર હતો. દુબઈના શાસકનું મોટું હૃદય છે, તેમણે આ મંદિર બનાવવા માટે જમીન અને પરવાનગી આપી છે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિરમાંથી સમગ્ર વિશ્વમાં સંવાદિતાનો સંદેશો ફેલાય.”