ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા Hezbollah ના ચીફ હસન નસરાલ્લાહની ડેડબોડી મળી આવી છે. તબીબી અને સુરક્ષા ટીમોએ હુમલાના સ્થળેથી નસરાલ્લાહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર હસનના શરીર પર હુમલાના કોઈ સીધા નિશાન નથી. જોરદાર વિસ્ફોટને કારણે થયેલ આઘાત તેના મૃત્યુ પાછળનું કારણ માનવામાં આવે છે.
નસરાલ્લાહ શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યે ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. ઇઝરાયેલની સેનાએ રાજધાની બેરૂતમાં Hezbollah ના હેડક્વાર્ટર પર 80 ટન બોમ્બ વડે હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહએ હુમલાના 20 કલાક પછી શનિવારે સાંજે 5 વાગ્યે નસરાલ્લાહના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
અહીં રવિવારે ઇઝરાયેલે લેબનોનની સરહદ પર ટેન્ક તૈનાત કરી હતી. અલજઝીરાએ તેમની તસવીરો પણ જાહેર કરી છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેને નસરાલ્લાહ પર હુમલાની જાણ હતી. ફાઈટર પ્લેન ઓપરેશન માટે ઉડાન ભર્યા બાદ ઈઝરાયેલે તેને જાણ કરી હતી. જો કે ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ઓપરેશન શરૂ કરતા પહેલા જ અમેરિકાને સંદેશો મોકલ્યો હતો. બીજી તરફ, નસરાલ્લાહના મૃત્યુ પછી પણ, ઇઝરાયેલે શનિવારે પણ હુમલા ચાલુ રાખ્યા હતા.
આ પણ વાંચો: Lebanon: નિર્દોષ અને માસૂમ લોકોના જીવ જોખમમાં
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલાઓમાં 33 લોકોના મોત થયા છે, જ્યારે 195 લોકો ઘાયલ થયા છે. NYT એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઈઝરાયેલે નસરાલ્લાહને મારવા માટે 27 સપ્ટેમ્બરે 8 ફાઈટર પ્લેન મોકલ્યા હતા. તેના દ્વારા હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર 2 હજાર પાઉન્ડના 15 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ અમેરિકન બનાવટના BLU-109 બોમ્બ હતા, જેને બંકર બસ્ટર પણ કહેવામાં આવે છે. આ સ્થાન પર ભૂગર્ભમાં ઘૂસીને વિસ્ફોટ કરવા સક્ષમ છે.