દેશ આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, દેશભરમાં 15મી ઓગસ્ટની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે આ વખતની ઉજવણી બિલકૂલ અલગ અને વિશેષ છે, વિશેષ એટલા માટે કેમકે આ વખતે દેશવાસીઓ આઝાદીને અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છે. એટલું જ નહીં આ વખતે પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા અભિયાનની પણ હાકલ કરી છે. આ અભિયાનને દેશભરમાં બમણો પ્રતિસાદ મળ્યો છે. માત્ર નરેન્દ્ર મોદીના ચાહકોએ જ નહીં પરંતુ વિરોધીઓ પણ આ અભિયાનમાં સહર્ષ જોડાયા, અને પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો. ઘર, દુકાન, ફ્લેટ, ઇમારત, ડેમ, બ્રિજ, રેસ્ટોરાં, સહિતની તમામ જગ્યાઓ પર તિરંગો લહેરાતો જોવા મળ્યો.
હવામાં લહેરાતો રાષ્ટ્રધ્વજ દરેક ભારતીયનું ગૌરવ છે, આઝાદીનું પ્રતિક છે અને ગુમાન પણ છે. કેસરી, સફેદ અને લીલા રંગમાં વાદળી અશોકચક્રના મિશ્રણને જોતા જ પંજો ખુમારીથી લમણે પહોંચી જાય અને સલામી આપવાનું મન થાય તેવી તેની પ્રતિભા છે. આજે દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપ્રેમને લઇને દેશભરમાં એક અભિયાન વેગવંતુ બન્યું છે, અને તે છે હર ઘર તિરંગા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી, જેને દેશવાસીઓએ ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપ્યો છે.
પ્રધાનમંત્રીની એક હાકલથી આકો દેશ ત્રણ રંગના રાષ્ટ્રીય રંગમાં રંગાઇ ગયો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો જ નજરે પડે છે. આખો દેશ હાલમાં દેશભક્તિના રંગમાં રંગાઇ ગયો છે. પ્રધાનમંત્રીની હાકલથી ભારતના ઇતિહસામાં આવું પહેલીવાર બની રહ્યું છે કે આઝાદી પર્વ પહેલા જ આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાઇ ગયો હોય.

તિરંગો સીધો જ આપણને આ રૂપમાં નથી મળી ગયો, તેની શાન જેટલી ઉંચી છે, તેનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે.
રાષ્ટ્રધ્વજનો રોચક ઈતિહાસ
7 ઓગસ્ટ 1906ના રોજ સ્વદેશી આંદોલન દરમિયાન કોલકતાના પારસી બાગાન ચૌક પર ફરકાવવામાં આવેલો રાષ્ટ્રીય ધ્વજ લીલા, પીળા અને વાદળી રંગની પટ્ટીઓમાં હતો, જેના કેન્દ્રમાં વંદેમાતરમ લખેલું હતુ.

તેના પછીના વર્ષ 1907માં મહાન ક્રાંતિકારી મેડમ ભીકાજી કામાએ જર્મનીના સ્ટુઆટગાર્ટમાં જે ધ્વજ લહેરાવ્યો હતો તેમાં કેસરી, પીળી અને લીલી પટ્ટી હતી. કેસરી પટ્ટી પર સાત તારા હતા જે સપ્તઋષિને દર્શાવતા હતા, જ્યારે મધ્યની પીળી પટ્ટીમાં વંદેમાતરમ લખેલું હતું. લીલી પટ્ટી પર સૂર્ય અને ચંદ્ર દોરેલા હતા.
ત્યારબાદ હોમરૂલ આંદોલન દરમિયાન વર્ષ 1917માં ધ્વજને એક નવું રૂપ મળ્યું. જેમાં 5 અને 4ની સંખ્યામાં ક્રમબદ્ધરીતે લાલ અને લીલી પટ્ટીઓનો પ્રયોગ કર્યો હતો, જેમાં સપ્તઋષિના પ્રતિક સાત તારા હતા.

1921માં આયોજિત કોંગ્રેસના વિજયવાડા અધિવેશનમાં એક અન્ય રાષ્ટ્રીય ધ્વજનો પ્રયોગ કરવામાં આવ્યો, જોકે ભારતનો પાંચમો ધ્વજ વર્ષ 1931માં સામે આવ્યો જેના મધ્યમાં ચરખાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
આપણો વર્તમાન રાષ્ટ્રિય ધ્વજ 22 જુલાઇ 1947ના રોજ સંવિધાન સભા દ્વારા ચૂંટવામાં આવ્યો હતો. આ ધ્વજને પિંગાલી વેંકૈયા દ્વારા 30 દેશોના ધ્વજના અધ્યયન બાદ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. જેને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય ગણતંત્રના રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવવામાં આવ્યો.
એક ભારતીયની રૂહે આપણી પણ એ ફરજ છે કે આપણે આપણા તિરંગાનું સમ્માન કરીએ અને આઝાદીના 75મા વર્ષમાં હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇને રાષ્ટ્રપ્રેમ દાખવીએ.