આવનારી ચૂંટણીઓમાં જોશ અને જુસ્સા સાથે ઝંપલાવવા માટે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયું. આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ કેવી રીતની રણનીતિ અપનાવશે ? કેવી રીતે સત્તા પક્ષને માત આપશે ? કેવી રીતે સરકારને ઘેરશે ? તે અંગેની ત્રણ દિવસીય ચિંતન શિબિરનું ઉદેપુરમાં આયોજન કર્યું છે.
કોંગ્રેસની આ ચિંતન શિબિરમાં દેશના દિગ્ગ કોંગ્રેસી નેતાઓ, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ ખુણે ખુણેથી ઉદેપુર પહોંચ્યા..એ પણ ટ્રેન મારફતે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ દિલ્હી ઉદેપુર ટ્રેનમાં બેસીને પહોંચ્યા જેમની સાથે અનેક દિગ્ગજ નેતાઓ હતા.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બગેલ પણ છેક ટ્રેનથી ઉદેપુર સુધીની મુસાફરી કરી, અને ઉદેપુર પહોંચ્યા. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર ફોટો પોસ્ટ કરતા લખ્યું કે નવચિંતન કે વાસ્તે, ઉદેપુર કે રાસ્તે.
આવનારા બે વર્ષોમાં 11 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, જેની તૈયારીમાં કોંગ્રેસ લાગી ગઇ છે. 2022ના ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાશે. જ્યારે 2023માં મેઘાલયા, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટકા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, તેલંગાણામાં ચૂંટણી યોજાવાની છે. આ 11 રાજ્યોને સર કરવા અને 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત આપવા કોંગ્રેસ રણનીતિ બનાવી રહ્યું છે.
ચિંતન શિબિરના પહેલા જ દિવસે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વિરોધીઓને ભીંસમાં લેવા અને કાર્યકરોમાં જોમ ભરવાનું કામ કર્યું. સોનિયા ગાંધીએ કહ્યું કે પાર્ટીએ અત્યાર સુધી ઘણું આપ્યું છે હવે આપણે ઋણ ચુકતે કરવાનો સમય છે. ભૂલો ઘણી થઇ છે, નિષ્ફળતાઓ પણ મળી છે પરંતુ લોકોની આશા-અપેક્ષાઓને જરૂર પૂરી કરીશું.
સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં ડર અને અસુરક્ષાનો માહોલ પેદા કરી રહી છે.
તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું ધર્મના નામ પર સત્તામાં આવેલી સરકાર હુલ્લડ કરાવે છે, આક્રોશ ફેલાવે છે, ઇડી સીબીઆઇનો દુરુપયોગ કરે છે.
કોંગ્રેસનું નવું મોડેલ
ટિકિટ માટે કોંગ્રેસની નવી ફોર્મુલા
ઓછામાં ઓછા 5 વર્ષ કોંગ્રેસમાં કામ
સીધી ટિકિટ નહીં આપવામાં આવે
પાર્ટીમાં નવા આવનારને ટિકિટ નહીં
ત્રણ વર્ષના કૂલિંગ પીરિયડ બાદ નવું પદ
નેતાઓના પુત્રોને પણ પાંચ વર્ષ બાદ જ ટિકિટ
આ ફોર્મુલા ગાંધી પરિવારને લાગુ નહીં
કોંગ્રેસની આ ચિંતન શિબિર હજુ બે દિવસ ચાલવાની છે. જેમાં નેતૃત્વ, સંગઠન, નીતિ, જનતામાં વિશ્વાસ જેવા અનેક મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે શું કોંગ્રેસને ટ્રેનની સફરથી સત્તાની ડગર સાંપડશે ? શું મુસાફરીની રણનીતિ કોંગ્રેસને ફળશે ?
કોંગ્રેસને આ મુસાફરી આવનારી ચૂંટણીમાં ફળશે ? તે તો મતદારોનો મૂડ, મત અને મિજાજ જ નક્કી કરશે.