Bridge Collapse: Vadodara જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરા ગામ નજીક મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા 12 થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે હવે તપાસ માટે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે.
મુખ્યમંત્રી Bhupendra Patel એ પોસ્ટમાં લખ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર પ્રબંધ અંગેની જાણકારી પણ મેળવી હતી. વડાપ્રધાને બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.
આ પણ વાંચો – RailOne App: સુપર એપ, જાહેર સેવાઓ એક જ પ્લેટફોર્મ પર
પ્રાપ્ત મહિતી અનુસાર, ગંભીરા બ્રિજ તૂટી જવા મામલે તપાસ કરવા માટે સરકારે 6 સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટી બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે. ગંભીરા બ્રિજ અકસ્માતનો પ્રાથમિક અહેવાલ સરકાર સમક્ષ તાત્કાલિક રજૂ કરશે. બ્રિજ દુર્ઘટના અંગેનો 30 દિવસમાં સંપૂર્ણ અહેવાલ કમિટી સરકારને સોંપશે. અન્ય કોઈ બ્રિજ પડવાની દુર્ઘટના ભવિષ્યમાં ફરી ન બને તે માટે પણ કમિટી સૂચનો આપશે. માર્ગ મકાન વિભાગનાં અધિક સચિવ, મુખ્ય ઇજનેર સહિતનાં અધિકારીઓનો આ તપાસ કમિટીમાં સમાવેશ કરાયો છે.