સાબરકાંઠાના હિમતનગરમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. હિંમતનગરના ગાંભોઈ ગામના ખેતરમાંથી જીવતી દાટી દેવાયેલી માસૂમ બાળકી મળી આવી. પણ કહેવાય છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે? હેવાનિયતની હદ વટાવેલા અથવા તો માનવતા ભૂલેલાવી બેસેલા કૂ-માતાપિતાએ આ બાળકીને જમીનમાં જીવતી દાટી દીધી હતી. આ નવજાતે હિંમત ન હારી, મોતને પણ હાથતાળી આપી, કાળ પણ તેનું કંઇ ન બગાડી શક્યો. ભગવાન ખુદ તેના પ્રાણ ન છીનવી શક્યો. તે જમીનમાં દટાયેલી રહી, અને મૃત્યુ સામે લડતી રહી. જે ખેતરમાં તેને જીવતી દાટવામાં આવી હતી. ત્યાંના ખેડૂતને તેનો રડવાનો અવાજ આવ્યો. અને જમીન ખોતરી તો આ બાળકી જીવતી બહાર આવી.
GEBની બાજુના ખેતરમાં માસૂમ બાળકીને જીવતી દાટી દેવાઈ હતી. ખેતર માલિક માટી હટાવતાં જ હેબતાઇ ગયો. માલિકે માટી હટાવી બાળકીને બહાર કાઢી, અને તાબડતોડ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી.
સવાલ અહીં એ માનવતા પર ઉઠે છે જે મરી પરવાર્યો છે, એ મમતાને કલંકિત થઇ ઉઠી જેણે આવું હિન કૃત્ય આચર્યું છે. કોનો અને કેમ જીવ ચાલ્યો હશે આવી માસૂમ બાળકીને જીવતી જમીનમાં દાટી દેવાનો ? જેને નવ મહિના સુધી પોતાના ગર્ભમાં પાળી તેને જન્મ આપતા જ જમીનમાં જીવતી ધરબી દઇને તેના પર નિર્દયતાપૂર્વક માટી નાખવાનો કેમનો જીવ ચાલ્યો હશે? જે બાળકીને હજુ મમતાનો મ પણ નથી ખબર, જે હજુ માતાના પ્રેમ અને ધાવણ માટે ટળવતી હતી તેને મમત્વ આપવાને બદલે મોત આપવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે ? તેના મોઢા પર માટી નાંખતા તેના હાથ કેમ ચાલ્યા હશે? આ ફૂલ જેવી બાળકીને દાટી દેતા તે હેવાનનું કાળજુ કેમ કંપ્યું નહીં હોય ?
સો વાતની એક વાત, છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય. એક માએ તરછોડી, મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બીજી માએ એવું ન થવા દીધું અને બીજી મા એટલે ધરતી મા. ધરતી માતાએ તેના કૂંખમાં આ બાળકીને સાચવી રાખી, તેના શ્વાસ રૂંધાવા ન દીધા, અને તેને નવું જીવન આપ્યું. જ્યારે પેલા ખેડૂતે ધરતીનું પેટ ચીરીને આ દીકરીને બહાર કાઢી ત્યારે તેનો નવો જન્મ થયો, અને એ પાવન ધરતી તેની મા કહેવાઇ અને પેલો ખેડૂત તેનો સાચા અર્થમાં તેનો પિતા.