- 2025-26માં જહાજોના આગમનમાં 13% વધારો
- આગામી 10 વર્ષમાં 15,000 જહાજો રિસાયક્લિંગ કરવાનો લક્ષ્ય
- ₹1224 કરોડથી ક્ષમતા બમણી થશે
ગાંધીનગર, 23 ડિસેમ્બર 2025:
Alang ship breaking yard: ગુજરાત ફરી એકવાર પોતાની સમુદ્રી શક્તિ અને પર્યાવરણમૈત્રી ઔદ્યોગિક વિકાસ મોડલ સાથે વૈશ્વિક ધ્યાન આકર્ષવા માટે તૈયાર છે. જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દરમિયાન રાજ્ય તેની વધતી મેરિટાઇમ ઇકોનોમી, ગ્રીન ટેક્નોલોજી અને રોકાણ માટે અનુકૂળ નીતિઓને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રભાવશાળી રીતે રજૂ કરશે.
આ પરિષદનું મુખ્ય આકર્ષણ રહેશે અલંગ-સોસિયા શિપ રિસાયક્લિંગ યાર્ડ, જે આજે માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સુરક્ષિત, વૈજ્ઞાનિક અને પર્યાવરણસંતુલિત શિપ રિસાયક્લિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ચૂક્યું છે. આ યાર્ડનું વિકાસ અને સંચાલન દ્વારા કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પારદર્શક શાસન, કડક સુરક્ષા ધોરણો, શ્રમિક કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપી છે. આ નીતિઓના પરિણામે અલંગ આજે ‘વર્લ્ડ-ક્લાસ ગ્રીન શિપ રિસાયક્લિંગ હબ’ તરીકે ઓળખાય છે.
8,800થી વધુ જહાજોનું રિસાયક્લિંગ, 99.95% સામગ્રીનો પુનઃઉપયોગ
અલંગ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ ક્લસ્ટરમાં સામેલ છે અને વૈશ્વિક શિપ રિસાયક્લિંગ માર્કેટમાં આશરે 32 ટકા યોગદાન આપે છે. અત્યાર સુધી અહીં 8,800થી વધુ જહાજોનું સુરક્ષિત અને નિયમિત રિસાયક્લિંગ કરવામાં આવ્યું છે.
આ જહાજોમાંથી પ્રાપ્ત થતી સામગ્રીનો 99.95 ટકા પુનઃઉપયોગ થાય છે, જે અલંગને સર્ક્યુલર ઇકોનોમીનું મજબૂત મોડલ બનાવે છે. આ કારણે અલંગને આજે શિપ રિસાયક્લિંગનું ‘ગ્રીન મોડલ’ તરીકે વૈશ્વિક માન્યતા મળી છે.
આ ઊંચા પુનઃઉપયોગના પ્રમાણને કારણે સ્ટીલ રોલિંગ, સ્ક્રેપ પ્રોસેસિંગ, મશીનરી રિફર્બિશમેન્ટ, લોજિસ્ટિક્સ અને ટ્રેડિંગ જેવા ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં સતત વ્યવસાયિક પ્રવૃત્તિ અને મોટા પ્રમાણમાં રોજગાર સર્જાઈ રહ્યો છે.
HKC અનુરૂપતામાં અગ્રણી, વૈશ્વિક વિશ્વાસનું કેન્દ્ર
અલંગમાં આવેલા કુલ 128માંથી 115 પ્લોટ સંપૂર્ણ રીતે હૉંગકૉંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન (HKC) અનુરૂપ છે. જૂન 2025થી HKC વૈશ્વિક સ્તરે અમલમાં આવતા અલંગને વિશ્વના સૌથી વિશ્વસનીય અને સુરક્ષિત ગ્રીન શિપ રિસાયક્લિંગ સેન્ટર તરીકે માન્યતા મળી છે.
આ સિદ્ધિ ભારતને વૈશ્વિક શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં સ્પર્ધાત્મક રીતે મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
2025-26ની શરૂઆતથી જહાજોના આગમનમાં 13% વૃદ્ધિ
વર્ષ 2024-25 દરમિયાન વૈશ્વિક મેરિટાઇમ પડકારો હોવા છતાં અલંગમાં 113 જહાજોનું સફળ રિસાયક્લિંગ કરવામાં આવ્યું. જ્યારે 2025-26ની શરૂઆતથી જહાજોના આગમનમાં 13 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ક્ષેત્રમાં નવી ઉર્જા અને રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે.
આ દિશામાં આગળ વધતા ગુજરાત સરકારે વર્ષ 2025માં અલંગ માટે મહત્વાકાંક્ષી રોડમૅપ જાહેર કર્યો છે, જેમાં આગામી 10 વર્ષમાં 15,000 જહાજોના રિસાયક્લિંગનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથે શ્રમિક આરોગ્ય, આવાસ, મેરિટાઇમ સ્કિલ ટ્રેનિંગ અને પર્યાવરણમૈત્રી ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
₹1224 કરોડના માસ્ટર પ્લાનથી રિસાયક્લિંગ ક્ષમતા થશે બમણી
ભવિષ્યની વધતી માંગને ધ્યાનમાં રાખીને દ્વારા ₹1224 કરોડના ખર્ચે અલંગ માટે વ્યાપક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના અમલમાં આવતા હાલની 4.5 મિલિયન LDT ક્ષમતા વધીને 9 મિલિયન LDT સુધી પહોંચશે.
આ વિસ્તરણ અલંગને એશિયા સહિત સમગ્ર વિશ્વમાં ગ્રીન શિપ રિસાયક્લિંગના અગ્રણી કેન્દ્રોમાં સ્થાન અપાવશે.
VGRC 2026માં અલંગની 40 વર્ષની વૈશ્વિક સફળતા રજૂ થશે
10થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટમાં યોજાનારી માં અલંગની 40 વર્ષની સિદ્ધિઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં આવશે. ગુજરાત સરકાર અલંગને માત્ર શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે નહીં, પરંતુ ગ્રીન ટેક્નોલોજી, રોકાણ અને ટકાઉ વિકાસનું પ્રેરક મોડલ તરીકે પ્રસ્થાપિત કરશે.
રાજ્ય સરકારને વિશ્વાસ છે કે આ પરિષદ ગુજરાતની મેરિટાઇમ ઇકોનોમીને નવી ઊંચાઈઓ આપશે અને વૈશ્વિક સહકાર તથા રોકાણ માટે નવા અવસર સર્જશે.

