Delhi Blast: સોમવારે સાંજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક પાર્ક કરેલી કારમાં પ્રચંડ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સાંજે લગભગ ૬:૫૨ વાગ્યે ધીમી ગતિએ ચાલતી હ્યુન્ડાઈ i20 (Hyundai i20) કાર ટ્રાફિક સિગ્નલ પાસે રોકાઈ અને તેમાં ધમાકો થયો હતો. Delhi Blast એટલો શક્તિશાળી હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા અને નજીકમાં પાર્ક કરેલા અન્ય 8 થી 10 વાહનોમાં પણ આગ લાગી હતી.
પ્રાથમિક અહેવાલો મુજબ, આ ભીષણ ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે જ્યારે 24 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. તમામ મૃતકો અને ઘાયલોને તાત્કાલિક લોક નાયક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિતની તમામ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
આ પણ વાંચો- ખેડૂતો માટે Gujarat સરકારનું ઐતિહાસિક સહાય પેકેજ
પોલીસ સૂત્રોએ પ્રારંભિક તપાસના આધારે આ વિસ્ફોટને આતંકવાદી હુમલો હોવાની શંકા વ્યક્ત કરી છે. તપાસ એજન્સીઓએ આ ઘટનાના તાર ફરીદાબાદના આતંકવાદી મોડ્યુલ અને પુલવામા કનેક્શન સાથે જોડીને તપાસ શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસ કમિશનર અને NIAના મહાનિર્દેશક સાથે વાત કરી છે. આ ઘટના બાદ દિલ્હી, ગુજરાત, મુંબઈ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક મોટા શહેરોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

