America ના California રાજ્યમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. 4 દિવસથી સળગતી આગ લગભગ 40 હજાર એકરમાં ફેલાઈ ગઈ છે. આગમાં લગભગ 10,000 ઘર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ છે, અને 29 હજાર એકર જમીનને નુકસાન થયું છે. Los Angeles સુધી પહોંચેલી આ આગથી Hollywood સ્ટાર્સના બંગલાઓ પણ બળીને ખાખ થયા છે. Hollywood ની ઘણી હસ્તીઓએ ઘર ખાલી કરીને અહીંથી બહાર નીકળી ગયા છે.
આગને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. અને લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. લગભગ 3 લાખ લોકોને સલામત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રે શહેરમાં કટોકટી જાહેર કરી છે અને ચેતવણી આપી છે કે તે શનિવાર સુધી ફેલાઈ શકે છે.

આ પણ વાંચો – World Hindi Day: હિન્દીના મહત્વથી દરેકને વાકેફ કરવાનો ઉદ્દેશ્ય
આ વિસ્તારમાં લગભગ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યું છે. ભારે પવનના કારણે આગે ફાયરનાડો (Fire + Tornado) નું સ્વરૂપ લઈ લીધું છે. જે રીતે ટોર્નેડોમાં હવાનું વાદળ બને છે, તેવી જ રીતે અગ્નિની જ્વાળાઓ આકાશને સ્પર્શતી દેખાય છે. આગ જંગલોમાંથી ફેલાઈને રહેણાક વિસ્તારોમાં પહોંચી ગઈ. લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે. અહીં રહેતા પાલતુ અને જંગલી પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયેલાં દેખાય છે.
આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આ આગમાંથી નીકળતો ધુમાડો અંતરિક્ષમાંથી પણ દેખાય છે. રેસ્ક્યૂ ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.