17 દિવસ પછી ‘ઓપરેશન જિંદગી’ને સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા શ્રમવીરોના પરિવારજનો તથા દેશવાસીઓની ચિંતાનો અંત આવી ગયો છે. ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમવીરોને બહાર કાઢી દેવામાં આવ્યા છે. દેશભરમાં આ શ્રમવીરોના બહાર આવની રાહ જોવામાં આવી રહી હતી. સમગ્ર દેશને 12 નવેમ્બરની ટનલ દુર્ઘટના હંમેશા યાદ રહેશે. ભારતે આજે ફરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આ 41 શ્રમવીરોને બચાવીને ભારત વિશ્વ માટે આદર્શ બન્યો છે. આજે દેશમાં દિવાળી જેવો માહોલ ફરી જોવા મળી રહ્યો છે.
શ્રમવીરો માટે સહાયની જાહેરાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું, “ઉત્તરાખંડ સરકાર આવતીકાલે તમામ મજૂરોને 1-1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમને એક મહિનાની પેઇડ લીવ પણ આપવામાં આવશે, જેથી તે તેમના પરિવારને મળી શકે.”
રેટ હોલ માઈનર્સની સરાહનીય કામગીરી
ઉત્તરકાશી ટનલમાં આ રેટ માઇનર્સે 800 MMની પાઇપમાં ઘૂસીને ડ્રિલિંગ કર્યું હતું. તેઓ એક પછી એક પાઇપની અંદર જતાં અને પછી તેમના હાથેથી નાના પાવડાથી ખોદતા હતા. એક સમયે ટ્રોલીમાંથી લગભગ 2.5 ક્વિન્ટલ કાટમાળ બહાર કાઢતા હતા. પાઇપની અંદર તેઓ બધાની સુરક્ષા માટે ઓક્સિજન માસ્ક, આંખોને સુરક્ષિત કરવા માટે ખાસ ચશ્માં અને હવા માટે બ્લોઅર પણ હતા. રેટ માઈનર્સે 24 કલાકમાં 12 મીટર ડ્રિલિંગ પૂર્ણ કર્યું હતું.
રેટ હોલ માઇનિંગ શું છે?
- હોલમાં ઘૂસીને ઉંદરની જેમ ખોદવું.
- પહાડની બાજુમાંથી હોલ પાડીને ખોદકામ શરૂ કરવામાં આવે છે.
- હોલ બનાવ્યા બાદ એને નાના હેન્ડ ડ્રિલિંગ મશીન વડે ડ્રિલ કરવામાં આવે છે.
- કાટમાળ હાથ વડે બહાર કાઢવામાં આવે છે.
- રેટ હોલ માઇનિંગનો ઉપયોગ કોલસાની ખાણમાં કરવામાં આવે છે.
- ઝારખંડ, છત્તીસગઢ અને નોર્થઈસ્ટમાં રેટ હોલ માઈનિંગ મોટે પાયે થાય છે.
- પરંતુ રેટ હોલ માઈનિંગ એ ખૂબ જ જોખમી કામ છે.
- રેટ હોલ માઈનિંગ પર ઘણી વખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જ્યારે ટનલમાં ફસાયેલા શ્રમવીરોને બચાવવા માટે અમેરિકન ડ્રિલિંગ મશીન પણ કાટમાળને કાપી શક્યું ન હતું. ત્યારે મેન્યુઅલ ડ્રિલિંગ માટે રેટ હોલ માઈનિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડ્યો હતો. દિલ્હીથી સિલક્યારા ટનલ માટે કુલ 12 રેટ હોલ માઇનર્સ મોકલવામાં આવ્યા હતા. આખરે 17 દિવસની લાંબી રાહ બાદ ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમવીરોના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. તમામ શ્રમવીરોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે. આ શ્રમવીરોને પ્રાથમિક સારવાર બાદ ચિન્યાલીસૌરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સમગ્ર રૂટને ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ માટે પહેલાથી જ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે એર એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે.