ચૂંટણી આવતા જ નેતાઓમાં પક્ષાપક્ષી અને પલટાપલટી શરૂ થઇ ગઇ છે, કોઇ આ પક્ષમાંથી કૂદીને પેલા પક્ષમાં તો કોઇ પેલા પક્ષમાંથી કૂદીને ત્રીજા પક્ષમાં જઇ રહ્યું છે. જોકે ઘણા નેતાઓ એવાય છે તે લોટ કે બુદ્ધુ ઘર કો આયે જેવો ઘાટ ઘડી રહ્યા છે.
સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર કુંદન કોઠીયાએ ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ઘરવાપસી કરી છે.
સુરતનાં વોર્ડ નંબર 4નાં મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયા માત્ર દોઢ મહિનામાં આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે.. આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા બાદ કુંદન કોઠિયા 14 ફેબ્રુઆરી 2022નાં રોજ કમલમ ખાતે ભાજપમાં જોડાઇ ગયા હતા.. અને માત્ર દોઢ જ મહિનાના ગાળામાં હવે કુંદનબેન ફરી કેસરી ટોપી છોડીને આમ આદમી પાર્ટીની સફેદ ટોપી પહેરતા દેખાયા, અને ભાજપ અવાજ દબાવવાનો પ્રયાસ કરતો હોવાનું નિવેદન પણ આપ્યું.
આમ આદમી પાર્ટીનાં 5 કોર્પોરેટર ભાજપ સાથે જોડાયા હતા.. પણ તેમાંથી મનિષાબેન અને જગદીશભાઇ એમ બે કોર્પોરેટર તો 14 માર્ચે જ આપમાં પરત આવી ગયા હતા.. હવે કુંદન કોઠિયા પણ પરત આવી ગયા છે. 2 એપ્રિલે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે છે તે પહેલાં કોર્પોરેટરની આપમાં ઘરવાપસી આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર છે.