Lok Sabha Elections માં ત્રણ તબક્કાનું મતદાન થયું છે. હવે ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. જેમાં આંધ્રપ્રદેશની 25, બિહારની 5, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઓડિશાની 4, તેલંગાણાની 17, યુપીની 13, પશ્ચિમ બંગાળની 8 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણી ચોથા તબક્કાના મતદાન સાથે સમાપ્ત થશે. આ સિવાય મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ ચૂંટણી પૂરી થશે. ચોથા તબક્કા પછી, કુલ 18 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામાન્ય ચૂંટણીનું મતદાન સમાપ્ત થશે. ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1717 ઉમેદવારો ચૂંટણી લડશે.
દિગ્ગજ નેતાઓ મેદાનમાં
ચોથા તબક્કામાં જે દિગ્ગજ ઉમેદવારો પર સૌ કોઈને નજર રહેશે તેમાં તેલંગાણાની હૈદરાબાદ લોકસભા બેઠક પરથી ભાજપના માધવી લતા, AIMIMના અસદુદ્દીન ઓવૈસી, કરીમનગરથી બંદી સંજય કુમાર, આંધ્રપ્રદેશના કડપાથી વાયએસ શર્મિલાનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશની લખીમપુર ખેરી લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને કન્નોજ બેઠક પરથી સપાના અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. બિહારની બેગૂસરાય બેઠક પરથી ગિરિરાજ સિંહ, ઉજિયારપુરથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, મુંગેરથી પૂર્વ જેડીયુ પ્રમુખ રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ મેદાનમાં ઉતર્યા છે. ઝારખંડની વાત કરીએ તો ખુંટી લોકસભા બેઠકથી અર્જુન મુંડાનો ભાવિ આવતીકાલે ઈવીએમમાં સીલ થશે. આ સાથે પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠકથી શત્રુઘ્ન સિંહા, બહેરામપુરરથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરી અને ટીએમસીના ઉમેદવાર યુસુફ પઠાણનું નામ પણ સામેલ છે.
7 તબક્કામાં કુલ 543 બેઠકો પર મતદાન
Lok Sabha Elections માં કુલ 543 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 102 લોકસભા બેઠકો, બીજા તબક્કામાં 88 અને ત્રીજા તબક્કામાં 93 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કા સુધી 283 બેઠકો પર મતદાન થયું છે. ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે. 13 મે સુધીમાં કુલ 379 બેઠકો પર મતદાન પૂર્ણ થશે, એટલે કે બાકીના 3 તબક્કામાં 164 બેઠકો પર મતદાન થશે.
પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન
આ પહેલા ત્રીજા તબક્કામાં રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મેઘાલય, તમિલનાડુ, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, ત્રિપુરા, આંદામાન નિકોબાર, પુડુચેરી, લક્ષદ્વીપ, સિક્કિમ, ત્રિપુરા, આસામ, ગોવામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી લોકસભા બેઠક પર મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે. ત્યાં 25મી મેના રોજ મતદાન થશે. તે પછી પાંચમા તબક્કામાં 20 મેના રોજ, છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ અને સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થશે.
આ પણ વાંચો: Gujarat Lok Sabha Election: વલસાડમાં સૌથી વધુ 72.71 ટકા મતદાન